*12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના*
--
*વડાપ્રધાનના ૧૨ વર્ષના જનસેવા કાળમાં સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: ૧૦,૨૭૩ એકર જમીન થઈ રસાયણ મુક્ત*
--
*સાબરકાંઠાના ૩૮ હજારથી વધુ ખેડૂતોએ અપનાવી ગાય આધારિત ખેતી: ‘બેક ટુ બેઝિક્સ’ અભિયાન બન્યું જન-આંદોલન*
--
*ઝીરો બજેટ ખેતીથી સમૃદ્ધિ તરફ ડગ માંડતા સાબરકાંઠાના ધરતીપુત્રો: પશુપાલન અને કૃષિના સમન્વયથી ખર્ચ ઘટ્યો અને આવક વધી*
--
હિમંતનગર, 06-06-2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં સર્વાંગી વિકાસના નવા સીમાચિહ્નો અંકિત થયા છે. વડાપ્રધાનશ્રીના ‘બેક ટુ બેઝિક્સ’ ના આહવાન અને મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૫ વર્ષમાં જિલ્લાના કુલ ૩૮,૩૯૭ થી વધુ ખેડૂતોએ ૧૦,૨૭૩ એકર જમીનમાં રસાયણમુક્ત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ જન-આંદોલનને કારણે જિલ્લાની ખેતી પદ્ધતિમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે, જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
સુશાસનના આ સમયગાળામાં સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિભાગ અને આત્મા (ATMA) પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કુલ ૪૦,૬૫૦ થી વધુ જાગૃત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની વૈજ્ઞાનિક તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. જિલ્લાના ૧૫૨ જેટલા પ્રગતિશીલ ધરતીપુત્રોએ પોતાની ૮૦ એકરથી વધુ જમીનને સંપૂર્ણપણે કેમિકલમુક્ત બનાવીને ઝેરમુક્ત અનાજ અને શાકભાજીના ઉત્પાદનની નવી કેડી કંડારી છે. ખેડૂતોને આ આંદોલન સાથે જોડી રાખવા માટે સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂ. ૯૦૦ એટલે કે વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની આર્થિક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ પ્રોત્સાહનને પરિણામે અંતરિયાળ અને પહાડી વિસ્તારોના ખેડૂતોનો ખેતી ખર્ચ નહિવત થઈ ગયો છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની ઉપજના પૂરતા ભાવ મળી રહે અને વચેટિયાઓથી મુક્તિ મળે તે માટે જિલ્લામાં મજબૂત સંસ્થાકીય માળખું ઊભું કરવામાં આવ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં સાબરકાંઠામાં ૨ 'પ્રાકૃતિક ખેતી એફ.પી.ઓ.' કાર્યરત કરવામાં આવ્યા છે. આ એફ.પી.ઓ. દ્વારા જિલ્લાની નારી શક્તિ અને ખેડૂત જૂથો પોતાના ઓર્ગેનિક ઉત્પાદનોનું પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને સીધું મોટા શહેરોના બજાર સુધી પહોંચાડી રહ્યા છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને શુદ્ધ ‘અમૃત આહાર’ પ્રાપ્ત થઈ રહ્યો છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાબરકાંઠાની ધરતી ફરી એકવાર સાચા અર્થમાં ‘સુજલામ્ સુફલામ્’ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. દેશી ગાય આધારિત જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને ભેજસંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થઈ છે. પ્રકૃતિના જતન દ્વારા તંદુરસ્ત માનવજીવનના નિર્ધાર સાથે સાબરકાંઠાના ખેડૂતો આજે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યા છે. આ આંદોલન માત્ર ખેતી પદ્ધતિનું પરિવર્તન નથી, પરંતુ આગામી પેઢી માટે સુરક્ષિત અને ઝેરમુક્ત ભવિષ્યનો પાયો છે.
Comments
Post a Comment