વિશ્વ ક્ષય દિવસની ઉજવણીસાબરકાંઠા જિલ્લામાં જનજાગૃતિ રેલી અને પોષણ કીટ વિતરણના કાર્યક્રમો યોજાયા******

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
સાબરકાંઠા જિલ્લામાં જનજાગૃતિ રેલી અને પોષણ કીટ વિતરણના કાર્યક્રમો યોજાયા
******
જિલ્લામાં ગત વર્ષે નોંધાયેલા ૪૨૫૯ દર્દીઓમાંથી ૪૦૫૮ દર્દીઓ સંપૂર્ણપણે ક્ષયમુક્ત થયા: ૯૫% રિકવરી રેટ
******
      'વિશ્વ ક્ષય દિવસ' નિમિત્તે સમગ્ર વિશ્વમાં ક્ષયરોગ (TB) સામે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ 'ટીબી મુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જિલ્લા ક્ષય કેન્દ્ર અને વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
       હિંમતનગર ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિક્ષય પોષણ દાતા શ્રી પ્રિન્સ ભરતભાઈ પટેલ (બી. આર. કોર્પોરેશન) અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગર દ્વારા ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દર્દીઓને સારવારની સાથે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
    કાનડા હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઈલોલની ટીમ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 'વ્યસનમુક્ત જીવન' વિષય પર નાટક પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી.
    સાબરકાંઠા જિલ્લામાં ક્ષયરોગ સામેની લડત ખૂબ જ અસરકારક રહી છે. જિલ્લામાં ગત વર્ષે કુલ ૪૨૫૯ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી ૪૦૫૮ દર્દીઓ એટલે કે ૯૫% દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા છે. હાલમાં ૧૨૦૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમને તબીબી અધિકારીઓની ટીમની દેખરેખ હેઠળ નિયમિત દવા અને ગળફાની તપાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. નોંધનીય છે કે, રાજ્યમાં ક્ષયથી થતા મૃત્યુનું સરેરાશ પ્રમાણ ૫% છે, જેની સામે સાબરકાંઠામાં આ પ્રમાણ માત્ર ૩ થી ૪ % જ છે, જે જિલ્લાની ગુણવત્તાયુક્ત સારવાર પદ્ધતિનું પરિણામ છે.
     આ કાર્યક્રમોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), જિલ્લા ક્ષય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, કાનડા ગામના સરપંચશ્રી, આરોગ્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments