ભિલોડા ખાતે નિવૃત પ્રાથમિક શિક્ષકોના પેન્શનર અધિવેશનનું સફળ આયોજન, વરિષ્ઠ નાગરિકોના સન્માન સાથે પ્રેરણાદાયી કાર્યક્રમ રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા
ભિલોડા ખાતે નિવૃત પ્રાથમિક શિક્ષકોના પેન્શનર અધિવેશનનું સફળ આયોજન, વરિષ્ઠ નાગરિકોના સન્માન સાથે પ્રેરણાદાયી કાર્યક્રમ
ભિલોડા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુણભાખરી સ્થિત ભવનાથ મહાદેવ મંદિરે પેન્શનર જનરલ અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં તાલુકા તેમજ જિલ્લાના નિવૃત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા અને અનુભવોના વહેંચાણનો સુંદર માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી. બરંડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ નિનામા તેમજ રાજ્ય નિવૃત પેન્શનર મંડળના સચિવ મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના પ્રમુખ ધૂળાભાઈ પ્રજાપતિ દ્વારા સૌના હાર્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી અને અધિવેશન દરમિયાન વાર્ષિક અહેવાલ તેમજ ઓડિટ રિપોર્ટનું વાચન કરવામાં આવ્યું હતું. નિવૃત શિક્ષકોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ સફળતા અપાવી હતી.
મંત્રી શ્રી પી.સી. બરંડાએ પોતાના સંબોધનમાં નિવૃત પેન્શનરોના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળવાની અને યોગ્ય સ્તરે તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે પેન્શનરોને સુવિધાઓ વધારવા તથા તેમના કલ્યાણ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે 85 અને 90 વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ પેન્શનરોનું સન્માન કરીને તેમની સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું. નિવૃત શિક્ષકોના જીવનભરના યોગદાનને માન આપવાનો આ સુંદર પ્રયાસ સૌને પ્રેરણાદાયી રહ્યો હતો.
રાજ્ય પેન્શનર મંડળના સચિવ મહેન્દ્રભાઈ પટેલે પેન્શનરોના હિતમાં ચાલી રહેલી યોજનાઓ અને ભવિષ્યના પ્રયાસો અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ ઉપરાંત, નિવૃત પેન્શનર કાલિદાસભાઈ પટેલ દ્વારા ભિલોડા તાલુકા પંચાયત સંચાલિત શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને ગંભીરતાપૂર્વક વિચારણા કરવા ખાતરી આપવામાં આવી હતી.
Comments
Post a Comment