સેવા અને સમર્પણની મૂર્તિ: ‘કુંભાર રત્ન’ ના પ્રણેતા ઇન્દુબેન પ્રજાપતિ રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

સેવા અને સમર્પણની મૂર્તિ: ‘કુંભાર રત્ન’ ના પ્રણેતા ઇન્દુબેન પ્રજાપતિ


વિશ્વમાં મહિલાઓનું પ્રદાન અજોડ છે. પોતાની જિજ્ઞાસા, મક્કમ મનોબળ અને અપ્રતિમ પ્રતિભાથી સમાજમાં નવો ચીલો ચાતરનારી નારીશક્તિના સન્માનમાં દર વર્ષે ૮ માર્ચ ‘વિશ્વ મહિલા દિન’ તરીકે ઉજવાય છે. આ પાવન અવસરે આજે આપણે એક એવાં સ્ત્રીરત્ન વિશે વાત કરવી છે, જેમણે માનવસેવાની ધૂણી ધખાવીને સમાજમાં સેવાનું અનોખું તેજ રેલાવ્યું છે. તે કર્મયોગી મહિલા એટલે શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ.
અરવલ્લીની ગિરિમાળાઓમાં, મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીના વતન બામણા પાસે આવેલા પુનાસણ ગામે ઇન્દુબેને 'શ્રવણ સુખધામ પંચવટી' નામની સંસ્થાની સ્થાપના કરી છે. કુદરતના સાનિધ્યમાં ધબકતી આ સંસ્થા માત્ર ઈમારત નથી, પણ માનવતાનું મંદિર છે. અહીંથી અનેક સેવાકીય પ્રકલ્પો ચાલે છે:
વિહંગનો વિસામો: અબોલ પક્ષીઓની સેવા માટેનું એક પ્રેરણાદાયી અભિયાન. 
પેડ વુમન તરીકે ઓળખ: અંતરિયાળ વિસ્તારની આદિવાસી મહિલાઓમાં માસિક ધર્મ અંગે જાગૃતિ લાવી, નિ:શુલ્ક સેનિટરી પેડ્સનું વિતરણ કરીને તેઓ આ વિસ્તારમાં 'પેડ વુમન' તરીકે ખ્યાતિ પામ્યા છે.
કન્યાદાન: પ્રજાપતિ સમાજની ૧૦ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી તેમણે સાચા અર્થમાં 'કન્યાદાન'નું પુણ્ય કમાયું છે.

સમાજ ઉત્થાનની નવી પહેલ: ‘કુંભાર રત્ન’ એવોર્ડ
ઇન્દુબેન માત્ર માનવસેવા જ નહીં, પણ પોતાના પ્રજાપતિ સમાજની પ્રગતિ માટે પણ સતત ચિંતિત રહે છે. સમાજના યુવાનોમાં છુપાયેલી કલા અને કૌશલ્યને વિશ્વ સમક્ષ લાવવા તેમણે ‘કુંભાર રત્ન’ એવોર્ડની સ્થાપના કરી છે.
૧ જૂન, ૨૦૨૨ નો એ દિવસ ઇતિહાસમાં અંકિત થઈ ગયો, જ્યારે પોતે હોસ્પિટલની પથારીએ હોવા છતાં, સ્વાસ્થ્યની પરવા કર્યા વગર તેમણે આ એવોર્ડનું લોકાર્પણ કર્યું. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં સૌપ્રથમ વાર આવી પહેલ કરનાર તેઓ અગ્રેસર મહિલા છે. આ મંચ પરથી તેમણે કલાકારો, લેખકો, રમતવીરો અને સંતોને સન્માનિત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ એવોર્ડ માત્ર એક પ્રતીક કે ટ્રોફી નથી, પણ નવલોહિયા યુવાનો માટે આગળ વધવાની પ્રેરણા છે, સમાજના ઉત્કર્ષ માટે સતત ધબકતું જોમ છે, નિરુત્સાહ થયેલા યુવાનો માટે પ્રોત્સાહનનો ઓક્સિજન છે.
જેમ કુંભારનો ચાકડો માટીને ઘાટ આપી સુંદર સર્જન કરે છે, તેમ ‘કુંભાર રત્ન’ એવોર્ડ સમાજના રત્નોને શોધી તેમને નવી ઓળખ આપી રહ્યો છે.

ઇન્દુબેન પ્રજાપતિ પોતે એક પ્રેરણામૂર્તિ છે. સમાજના સાચા રત્નોને શોધી, તેમને ચમક પ્રદાન કરનાર અને માનવતાની મહેક ફેલાવનાર શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિને કોટિ-કોટિ વંદન!
લેખક: પાર્થ પ્રજાપતિ

Comments