સાણંદથી ભારતની ટેક-ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો રીપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સાણંદથી ભારતની ટેક-ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માઇક્રોન ટેક્નોલોજીની અદ્યતન સેમિકન્ડક્ટર ATMP (Assembly, Testing, Marking and Packaging) ફેસિલિટીનો ભવ્ય શુભારંભ કર્યો હતો. આશરે ₹22,516 કરોડના રોકાણ સાથે શરૂ થયેલી આ સુવિધા ગુજરાતને દેશના સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરશે અને AI ટેક્નોલોજીના ભવિષ્યને નવી તાકાત આપશે.

વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે.” તેમણે વિશ્વને વિશ્વાસ આપતા કહ્યું કે “India is Ready, India is Reliable and India Delivers.” આ દશક ભારતના ટેક-ફ્યુચર માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું.

વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટની ઝડપી ગતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જૂન 2023માં MoU થયા બાદ માત્ર 900 દિવસમાં ફેબ્રુઆરી 2026માં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું છે, જે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે જણાવ્યું કે ભારત હવે માત્ર સોફ્ટવેર માટે જ નહીં પરંતુ હાર્ડવેર ક્ષેત્રે પણ વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય હતું અને હવે AI તથા સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર’ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ યુવાનોના સપનાઓનું ઇન્વેસ્ટમેન્ટ છે.

કેન્દ્રીય માહિતી પ્રસારણ, રેલવે અને IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો અને જણાવ્યું કે ‘સેમિકન્ડક્ટર 2.0’ દ્વારા ભારત સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવશે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં 6 ગણો અને નિકાસમાં 8 ગણો વધારો નોંધાયો છે.

માઇક્રોન ટેક્નોલોજીના CEO શ્રી સંજય મેહરોત્રાએ જણાવ્યું કે આ ફેસિલિટી વિશ્વસ્તરીય ‘ક્લીન રૂમ’ ધરાવે છે અને SSD, DRAM તથા NAND જેવા આધુનિક મેમરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. પ્લાન્ટમાં 100% વોટર રી-યુઝ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

આ પ્લાન્ટથી હાલ 2000થી વધુ લોકોને રોજગારી મળી રહી છે અને આવનારા સમયમાં આ સંખ્યા 5000થી વધુ થશે. ખાસ નોંધનીય છે કે દિવ્યાંગ નાગરિકોને પણ સમાન રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments