ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે 20/3/2026 લોકદરબાર યોજાયો, નાગરિકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ માટે સૂચનાઓ રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે 20/3/2026 લોકદરબાર યોજાયો, નાગરિકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ માટે સૂચનાઓ

અરવલ્લી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબાર ભિલોડા મામલતદાર કચેરીના સહયોગથી પોલીસ અધિક્ષક મોનિટરિંગ ઝોનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

લોકદરબારમાં સરપંચો, અગ્રણીઓ, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય આગેવાનો સહિત 50થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગામ અને શહેરના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

પોલીસ તંત્ર દ્વારા ભિલોડા વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે સક્રિય કામગીરી કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવા ખાતરી આપવામાં આવી હતી.
લોકદરબાર દરમિયાન ટોટડા અને ટાકટુકડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનો પાસે પૂરતા મકાનો ન હોવાને કારણે દૂરના ગામોમાં પોલીસ સેવા પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓ અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી પ્રયાસો કરવા પોલીસ તંત્રએ ખાતરી આપી હતી.

આ ઉપરાંત ભિલોડા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય આયોજન કરાશે તેમજ ગામોમાં સુરક્ષા વધારવા માટે CCTV કેમેરા લગાવવા માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં સ્ટાફ વધારવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.

આ લોકદરબાર દ્વારા નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે સંવાદ મજબૂત બન્યો છે અને સ્થાનિક સ્તરે પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાયું છે.

Comments