*પોગલુ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને "જલ અર્પણ દિવસ"ની ભવ્ય ઉજવણી* રિપોર્ટર એમડી પરમાર

*પોગલુ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને "જલ અર્પણ દિવસ"ની ભવ્ય ઉજવણી*
**
*ગ્રામ્ય પેયજળ યોજનાઓના સુચારૂ સંચાલન અને પાણીના વિવેકપૂર્ણ વપરાશ માટે જનજાગૃતિનો સંદેશ*
**
*ધારાસભ્યશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જળ કળશ અને અભિનંદન પત્રોનું વિતરણ*
**
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને “જલ અર્પણ દિવસ” કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં સહકારની ભાવના કેળવવી, પાણીના સ્ત્રોતોની મરામત અને નિભાવણી અંગે જનજાગૃતિ લાવવી તથા સ્થાનિક સંસ્થાઓને પાણી વ્યવસ્થાપન બાબતે સશક્ત બનાવવાનો રહ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, "પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. આવનાર પેઢી માટે પાણીનો સંગ્રહ અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણી નૈતિક જવાબદારી છે." તેમણે ગ્રામજનોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને લોકભાગીદારી દ્વારા ગામની પાણી સમિતિઓને વધુ કાર્યક્ષમ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક રીતે જળ કળશ, અભિનંદન પત્રો અને યોજનાની મરામત-નિભાવણી માટેની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અર્પણ કરવામાં આવ્યા હતા. જળ જાગૃતિના આ અભિયાનમાં પોગલુ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને ગામમાં જનજાગૃતિ રેલી કાઢી હતી, જેમાં સૂત્રોચ્ચાર દ્વારા પાણી બચાવવાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, વાસ્મો યુનિટ મેનેજર, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી તથા વાસ્મોની ટીમ, સ્થાનિક પદાધિકારીઓશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments