*વડાલીના મેધ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ*
સાબરકાંઠાના વડાલી તાલુકાના મેધ ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રી ડો. રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૧ થી ૧૯ વર્ષ વય જૂથના ૪,૩૧,૫૯૫ બાળકોને કૃમિની સારવાર માટે જિલ્લાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં તાલીમ પ્રાપ્ત આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો તથા આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોને આલબેન્ડાઝોલ ગોળી નિયત ડોઝ મુજબ આપવામાં આવી હતી.
કૃમિ સંક્રમણ બાળકોમાં એનિમિયા, કુપોષણ, વૃદ્ધિ માં અવરોધ, શારીરિક કમજોરી તથા શીખવાની ક્ષમતામાં ઘટાડાનું મુખ્ય કારણ બને છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા દર છ માસે રાષ્ટ્રીય કૃમિનાશક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા, ખુલ્લામાં શૌચથી બચાવ, હાથ ધોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ (Hand Hygiene), સ્વચ્છ પીવાનું પાણી, નખ કાપવાની ટેવ અને સ્વસ્થ આહાર અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. જે દ્વારા બાળકોમાં કૃમિજન્ય રોગોમાં ઘટાડો, પોષણની સ્થિતિમાં સુધારો તથા સર્વાંગી આરોગ્ય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
Comments
Post a Comment