સાબરકાંઠા જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની થઇ શરૂઆત*રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*સાબરકાંઠા જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની થઇ શરૂઆત*
***
*સાબરકાંઠા જિલ્લાના ૧૨૮૨ જેટલા બી.એલ.ઓ જિલ્લાના કુલ મતદારો ૧૧,૬૧,૧૨૮ નો સંપર્ક કરશે*
***
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મૂજબ તા.૨૭ નવેમ્બર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના ૧૨ જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારયાદી સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ૧૨૮૨ જેટલા બી.એલ.ઓ. દ્વારા જિલ્લાના તમામ ૧૧,૬૧,૧૨૮ મતદારોના ઘરે જઈને તા. ૪ નવેમ્બરથી તા. ૪ ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહી. તા.૪ ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાઈ થઈને આવશે તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલ ફોર્મની પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાદુંએ SIR પ્રક્રિયા થકી લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે તેના માટે ખાસ કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતર કરેલા મતદારોને કમી કરીને ચોક્કસ મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો છે. મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. તે માટે કર્મીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે તા.૪ નવેમ્બરથી તા.૪ ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR) નું સમય પત્રક જાહેર કર્યું છે. SIR ના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025 થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.09/12/2025 ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.09/12/2025 થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો સબંધિત મતદાર નોંધણી અધિકારીને કરી શકશે. 31/01/2026 સુધી સબંધિત મતદાર નોંધણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને પ્રથમ અપીલ તથા જિલ્લા ચુંટણી અધિકારીના નિર્ણય સામે મુખ્ય ચૂંટણી અધિકારીને દ્વિતીય અપીલ કરી શકશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
****
Comments
Post a Comment