અકસ્માતમાં આધેડનું મોત
ખારાઘોડા ખાતે ટ્રકની અડફેટે 61 વર્ષના સાયકલ સવારનું અકાળે મોત : આ આધેડ પોતાની સાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધા હતા
પાટડી તાલુકાના ખારાઘોડા ખાતે ટ્રકની અડફેટે 61 વર્ષના સાયકલ સવારનું અકાળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ આધેડ પોતાની સાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. એમને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદના બોપલ દવાખાને જતા જતા રસ્તામાં જ એમનું મોત નીપજ્યું હતું.
હાલમાં રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે, હાલ ખારાઘોડામાં જેસીબી, ડમ્પર અને ટ્રકોનો ખડકલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના ખારાઘોડા જુનાગામથી ઓડુ જવાના બોર્ડ પાસે મેઈન રોડ પર સાયકલ લઈને ખેતર જઈ રહેલા 61 વર્ષના ખારાગોઢા જુનાગામના રહીશ દેવશીભાઇ ખોડાભાઇ વાણીયા (ડી.કે.વાણીયા)ને હતા સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી ટ્રકે અટફેટે લઇ જોરદાર ટક્કર મારતા આધેડ દેવશીભાઇ ખોડાભાઇ વાણીયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એમને લોહીલુહાણ હાલતમાં તાકીદે વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એમને રીફર કરતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ બોપલ દવાખાને લઈ જવાતા રસ્તામાં જ એમનું અકાળે મોત નીપજ્યું હતું. મીઠું પકવતા અગરિયાઓના જીવન પર કવિતાઓ લખતા ડી.કે.વાણીયાના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જયારે આ અકસ્માતની ઘટનાના પગલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે.
Comments
Post a Comment