ઇડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું* રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી
*ઇડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું*
****
સ્વસ્થ કિશોરી અને સ્વસ્થ સમાજના નિર્માણના સંકલ્પ સાથે, ઇડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) નિવારણ માટે મહત્વપૂર્ણ એવા 'HPV રસીકરણ કાર્યક્રમ'નું આયોજન ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતમાં કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન કિશોરીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સિદ્ધ કરવાના ઉમદા પગલાંરૂપે આ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તબીબી નિષ્ણાતોના મતે HPV સંક્રમણ એ ગર્ભાશયના મુખના કેન્સરનું મુખ્ય કારણ છે અને સમયસર રસીકરણ થકી ભવિષ્યમાં આ ગંભીર બીમારી સામે અસરકારક રક્ષણ મેળવી શકાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ થી ૧૫ વર્ષની વયની કિશોરીઓને HPV સંક્રમણથી સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીઓ અને તેમના વાલીઓને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં રસીનું મહત્વ, તેની સલામતી અને અસરકારકતા વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. વધુમાં વધુ કિશોરીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,ઇડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, આરોગ્ય વિભાગનો તબીબી સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment