*ગાયનેકોલોજિસ્ટ ડૉ. પૂર્વી શાહનું સાહસ: અમદાવાદ-પુષ્કર-અમદાવાદ વચ્ચે ૧૨૦૦ કિમી સાયકલિંગ કરી જિલ્લાનું નામ રોશન કર્યું*
**
*૮૮ કલાક, ૧૨૦૦ કિમી અને અતૂટ મનોબળ: ડૉ. પૂર્વી શાહે આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટમાં મેળવી ભવ્ય સિદ્ધિ*
**
સાબરકાંઠા જિલ્લાના તલોદના ગાયનેકોલોજિસ્ટ ડૉ. પૂર્વી ચિરાગભાઈ શાહે આંતરરાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમદાવાદના સાયક્લોન સાયકલિંગ ક્લબ દ્વારા ‘ઓડેક્સ ઇન્ડિયા રેન્ડોનર્સ’ હેઠળ આયોજિત પ્રતિષ્ઠિત LRM (Les Randonneurs Mondiaux) ૧૨૦૦ કિ.મી.ની સાયકલિંગ ઇવેન્ટ પૂર્ણ કરી તેઓ અમદાવાદના પ્રથમ અને ગુજરાતના ચોથા મહિલા સાયકલિસ્ટ બન્યા છે. 

જાણીતા તબિબ ડૉ. રજનીભાઈ શાહની પુત્રવધૂ ડૉ. પૂર્વી શાહે ૨૨ જાન્યુઆરીના રોજ અમદાવાદથી શરૂ થયેલી આ સફરમાં અમદાવાદ-પુષ્કર-અમદાવાદ રૂટ પર ૧૨૦૦ કિ.મી.નું અંતર માત્ર ૮૮ કલાક અને ૧૪ મિનિટમાં કાપ્યું હતું. નિર્ધારિત ૯૦ કલાકની સમયમર્યાદા પહેલા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે તેમણે રાજસ્થાનના રણ પ્રદેશમાં ૧.૫ થી ૨ ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ સાયકલિંગ ચાલુ રાખ્યું હતું.

નોંધનીય છે કે, ફ્રાન્સની સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત આ કપરી સ્પર્ધામાં કુલ ૧૭ સ્પર્ધકોમાંથી માત્ર ૧૦ રાઈડર્સ જ સફળ રહ્યા હતા, જેમાં ડૉ. પૂર્વીએ પોતાની મક્કમ મનોબળની પ્રતીતિ કરાવી હતી. આ ભવ્ય સફળતા બદલ સાબરકાંઠા જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી હતી. ડૉ. પૂર્વીએ પોતાની સફળતાનો શ્રેય પરિવારનો અતૂટ સહયોગ અને સાથી રાઈડર્સને આપ્યો હતો.

Comments