અરવલ્લી જિલ્લાના મેધરજ તાલુકાના પંચાલ ગામમાં તાલીમ વર્ગની શિવણ વર્ગની બહેનોને પ્રમાણપત્ર અને પીવાના પાણીની બોટલનું વિતરણ કરાયું ---------------------------- અનુસૂચિત જનજાતિ સમાજમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા જરૂરિયાતમંદ લોકો સ્વમાનભેર સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તેવા હેતુસર રાજ્ય સરકારના અનેકવિધ તાલીમી યોજનાઓ - અભ્યાસક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમો વિવિધ એન.જી.ઓ. દ્વારા સરકારશ્રીના પ્રતિનિધિના માર્ગદર્શન પ્રમાણે ચાલી રહ્યા છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામ ખાતે ૩૦ બહેનોને પરિવર્તન ટ્રસ્ટના ઉપક્રમે શિવણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને પરિવર્તન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને આ પંથકમાં મહિલા ઉન્નતિના ઉમદા હેતુ સાથે કાર્ય કરી રહેલા શ્રી જગદીશભાઈ પંડ્યા દ્વારા શિવણ તાલીમ વર્ગના તાલીમાર્થીઓને તાલીમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કર્મશીલશ્રી ભાનુભાઈ દવેએ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સ્વરોજગારી વિષયક કલ્યાણકારી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને તાલીમાર્થી બહેનોને પીવાના પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહાયક શ્રી કે.બી. ભગોરા અને શ્રી કનુ ભગોરા, પંચાલ ગામ અગ્રણીએ સહાયક ભૂમિકા અદા કરી હતી. તાલીમાર્થી મહિલાઓને શિલાઈ અંગેની તાલીમ અને માર્ગદર્શન કુ.અમિતાબેને આપ્યું હતું. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિની બહેનોને ઉદ્યોગ સાહસિકતા સંસ્થાનના ઉપક્રમે વર્મી કમ્પોસ્ટ જૈવિક - પ્રાકૃતિક ખેતીની તાલીમાર્થી મહિલાઓને પણ પ્રમાણપત્ર અને પીવાના પાણીની બોટલ પરિવર્તન ટ્રસ્ટ અને શ્રી ભાનુભાઈ દવેના સૌજન્યથી વિતરિત કરવામાં આવી હતી. તાલીમાર્થી બહેનો પૈકી શ્રીમતી સુરતાબેન ભગોરા અનેસંગીતા બેને એક પ્રતિભાવમાં કહ્યું હતું કે તાલીમ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે અમે તાલીમમાં જોડાયા હતા અને આ તાલીમથી અમને સ્વ નિર્ભર થવાની અને રોજગારી મેળવવાની તક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવર્તન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યા રાજ્ય સરકારની કે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ -. સરકારી નિગમો દ્વારા આપવામાં આવતા તાલીમ વર્ગોનું સુંદર આયોજન કરે છે અને રોજગાર ઉદ્યોગ સાહસિકતા જેવા વિષયોમાં મહિલાઓ વધુ સારી રીતે ભૂમિકા નિભાવે તેવું સફળ આયોજન કરી રહ્યા છે. આ પંથકમાં તેમની કાર્ય સંસ્કૃતિને ગ્રામજનો દ્વારા સરસ પ્રતિભાવ આપીને જે કંઈ પ્રયાસ કરવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને પ્રગતિના માર્ગે આગળ વધવા પણ મહિલાઓ પ્રતિબદ્ધ બની છે.

Comments